આવો તો યે સારુ, ન આવો તો યે સારુ

પ્રીતિનું પુષ્પ ખીલે છે ઘડીભરની જુદાઇમાં
અજંપો લાગતો મીઠો મીઠો પ્રીતની સગાઇમાં

આવો તો યે સારુ, ન આવો તો યે સારુ,
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું

આવો ને જાઓ તમે ઘડી અહીં ઘડી તહીં
યાદ તો તમારી મીઠી અહીં ની અહીં રહી

મોંઘું તમારાથી સપનું તમારું
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું

મિલનમાં મજા શું, મજા ઝુરવામાં
બળીને શમાના, પતંગો થવામાં

માને ના મનાવ્યું મારું હૈયું નઠારું
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું

Advertisements
Posted in Uncategorized | 1 Comment

મરણ પહેલાં મરી તો જો.

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

Posted in Uncategorized | Leave a comment

કેમ લખવા…?

પ્રશ્નોત્તરી પછીના પરિણામ કેમ લખવા
સંદિગ્ધ લાગણીના આયામ કેમ લખવા

દરિયો નભી રહ્યો છે વહેતી નદીઉપર,પણ
કાંઠાળ દાયરાઓ સરેઆમ કેમ લખવા

જીવંત રાખતી રહી ખુદ જિંદગી મરણને
ત્યાં શ્વાસ ખૂટવાના ઈલ્ઝામ કેમ લખવા

વિસરી ગયા તમે પણ મેં જીવ દઇ ઉછેર્યા
એ નામજોગ કિસ્સા,બે-નામ કેમ લખવા

મતલબપરસ્ત આંખે ઘેઘૂર થઇ છવાયા
ઈચ્છા ભરેલ સપનાં નિષ્કામ કેમ લખવા

કડવાશ જિંદગીભર ગઝલાઇ પણ ન ખૂટી
પીતો રહ્યો સહજ રહી,એ જામ કેમ લખવા

મારે વસાવવું’તું ઘર મૌનની ગલીમાં
પણ અર્થ લઇ ડૂબેલા એ ગામ કેમ લખવા

મારો અભાવ જો જો ! ક્યારેક તો ખટકશે
કહેશો પછી, સ્મરણને સુમસામ કેમ લખવા

જમણી તરફ ગઝલ છે ડાબી તરફ તમે છો
વચ્ચે ખુદા લખું પણ,નાકામ કેમ લખવા !

ડૉ.મહેશ રાવલ

Posted in Uncategorized | Leave a comment

પથ્થરો પાસે ય અંજળ હોય છે….! મૂર્તિ બને, એ પૂજાય…

શક્યતાથી સહેજ આગળ હોય છે
જે સફળતાની ખરી પળ હોય છે !

કોઇ ઘટના સાવ અમથી ના ઘટે
ત્યાં,સમયની કાર્યરત કળ હોય છે

મૂલ્ય, ઓછું આંકવું સારૂં નથી
પથ્થરો પાસે ય અંજળ હોય છે !

મન જાણે છે જાય તો શું જાય એ
રાંકના ઘરને ય સાંકળ હોય છે !

એ, નજર સાથે નજર નહીં મેળવે
જેમના મનમાં કશુંક છળ હોય છે !

રાખ થઇ ગઇ હોય આખી સિંદરી
તોય સાબૂત રહી જતાં વળ હોય છે !

હોય એ આયુધ બધા ટાંચા પડે
શાંતિ પાસે એટલું બળ હોય છે !

Posted in Uncategorized | Leave a comment

દેર નહીં સમજાય તો અંધેર સામે આવશે…

થાય જો સરખામણી તો ફેર સામે આવશે
દેર નહીં સમજાય તો અંધેર સામે આવશે

હોય મુખમાં રામ ‘ને છૂરી બગલમાં એમનો
છેવટે સરેઆમ કાળો કેર સામે આવશે

આ મલકમાં શેર થઇ ફરવું નથી સારૂં બધે
આંતરી રસ્તો, સવાયા શેર સામે આવશે !

ધૂળનોં પણ ખપ પડે -એ ખ્યાલ હોવો જોઇએ
એ હકીકત છે અને ચોમેર સામે આવશે

શોધતાં રહેજો તમે મારણ અસરકારક સતત
હર કદમ પર અહીં હળાહળ ઝેર સામે આવશે !

લાગણીની ઓથ લઈને પાંગરે છે છળ-કપટ
તક મળી, તો મૂળસોતાં વેર સામે આવશે !

ગાળજો સો ગરણે, માણસ નામધારી સ્વર્થને
ગામથી બમણાં તમારાં ઘેર સામે આવશે !!!

ડૉ.મહેશ રાવલ

Posted in Uncategorized | Leave a comment

સર, સમયસામે નમાવ્યું છે અમે…..

જે મળ્યું છે એ વધાવ્યું છે અમે
જિંદગીભર, મન મનાવ્યું છે અમે

ગામ આખાએ ભલે કડવું ગણ્યું
સત્યનેં મીઠું ગણાવ્યું છે અમે !

સર્વની સર્વોપરીતા અવગણી
સર, સમય સામે નમાવ્યું છે અમે

વામણાં છે ઉપકરણ સહુ એટલે
લાગણીથી ઘર સજાવ્યું છે અમે

થાય તે જોયું જશે આગળ-ઉપર
વ્હાણ, વિશ્વાસે ચલાવ્યું છે અમે !

નહીં ગયાનો શોક, નહીં આવ્યે હરખ
કંઇ અમારૂં ક્યાં ગણાવ્યું છે અમે !

કોઇ આડશ કામ નહીં આવે હવે
લક્ષ્યવેધી શર ચડાવ્યું છે અમે

ડૉ.મહેશ રાવલ

Posted in Uncategorized | Leave a comment

જલકમલવત જીવવાનો સાર આપીને જશું…..

પ્રશ્નનાં ઉત્તર ખુલાસાવાર આપીને જશું
જલકમલવત જીવવાનો સાર આપીને જશું

ઝંખના છે જેમનાં હૈયે કશુંક પામી જવા
એમને નક્કરપણે અણસાર આપીને જશું

કોઇનાં હોવા ન હોવાનો જગતને શું ફરક ?
પણ, ફરક જેવું ય ભારોભાર આપીને જશું

થાય જો સરખામણી તો હોય અદકા અન્યથી
વારસામાં એટલાં સંસ્કાર આપીને જશું

કોઇનો કાયમ નથી હોતો ઈજારો ક્યાંય,પણ
હો અબાધિત એટલો અધિકાર આપીને જશું

હદ વળોટે એ બધું સાબિત થવાનું જોખમી
અનુભવેલાં સત્યનો ચિતાર આપીને જશું

નહીં વદી નહીં બાદ-વત્તા, શૂન્ય શું ભાગે ગુણે !
જેમ છે બસ એમ આ સંસાર આપીને જશું

ડૉ.મહેશ રાવલ

Posted in Uncategorized | Leave a comment